ylliX - Online Advertising Network
કિરણ પટેલ સામે EDની ચાર્જશીટ દાખલ:  PMOનું નામ વટાવી કિરણ પટેલે ગુજરાતથી છેક કાશ્મીર સુધી લોકોને છેતર્યા, સોશિયલ મીડિયા પર ફાંકા ફોજદારી કરી

કિરણ પટેલ સામે EDની ચાર્જશીટ દાખલ: PMOનું નામ વટાવી કિરણ પટેલે ગુજરાતથી છેક કાશ્મીર સુધી લોકોને છેતર્યા, સોશિયલ મીડિયા પર ફાંકા ફોજદારી કરી


33 મિનિટ પેહલા

  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં છેતરપિંડીનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો હતો. ગુજરાતના મહાઠગ કિરણ પટેલે વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ ડિરેક્ટર બનીને લોકોને છેતર્યા હતા, ત્યારપછી EDએ તેની સામે કડક કાર્યવાહી કરી હતી. હવે EDએ કિરણ પટેલ અને અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે.

લોકોને છેતરવા અને ગુનાથી પૈસા કમાવવાના પોતાના ખોટા હેતુઓને પૂર્ણ કરવા માટે નકલી વિઝિટિંગ કાર્ડ બનાવ્યા હતા. ઇડીની શ્રીનગર પ્રાદેશિક ઓફિસે 28 ઓક્ટોબર, 2024ના રોજ કિરણ પટેલ સામે પીએમએલએ શ્રીનગર સમક્ષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે આરોપી કિરણ પટેલને 27 નવેમ્બર, 2024ના રોજ હાજર થવા માટે નોટિસ પાઠવી હતી. કોણ છે કિરણ પટેલ અને મહાઠગે ભલભલાને કેવી રીતે બાટલીમાં ઉતાર્યા…

કાશ્મીરમાં Z+ સિક્યોરિટી સાથે ફરતો કિરણ મૂળ અમદાવાદનો જમ્મુ-કાશ્મીરમાં પોતાને PMOનો અધિકારી જણાવીને ફરતા ભેજાબાજને પોલીસે ઝડપ્યો ત્યાં સુધીમાં તો કિરણ પટેલે તેમનો બરાબરનો ઉપયોગ કરી લીધો હતો. પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીઓને જાણવા મળ્યું કે, પોતાને હાઈ પ્રોફાઈલ અધિકારી જણાવનારો કિરણ મૂળ અમદાવાદના ઈસનપુરનો રહેવાસી હતો. ત્યાર પછી તેણે પોશ સિંધુભવન રોડ પાસે બંગલો લીધો હતો અને ફેમિલી સાથે ત્યાં રહેવા ગયો હતો.

જમ્મુ-કાશ્મીર સરકાર પાસેથી સુરક્ષા પણ લીધી હતી EDની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ વડાપ્રધાન કાર્યાલયમાં તૈનાત અધિકારી તરીકે દેખાડીને જમ્મુ-કાશ્મીર સરકાર પાસેથી સુરક્ષા મેળવી હતી, જેના કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન થયું હતું. આરોપી કિરણ પટેલ અમદાવાદનો રહેવાસી છે.

તપાસ દરમિયાન EDને જાણવા મળ્યું હતું કે આરોપી કિરણ પટેલે ગુજરાતના ઘણા મોટા વેપારીઓને કાશ્મીરમાં બિઝનેસ કરવાની લાલચ આપીને છેતર્યા હતા. વર્ષ 2023માં, EDએ આરોપી કિરણ પટેલ અને અન્યના ઘર પર દરોડા પાડ્યા હતા અને ઘણા ઇલેક્ટ્રોનિક અને ડોક્યુમેન્ટરી ડિવાઈઝ રિકવર કર્યા હતા.

પોતાને PMOના અધિકારી ગણાવ્યો કિરણ પટેલની પોતાને વડાપ્રધાન કાર્યાલયમાં ઉચ્ચ અધિકારી તરીકે રજૂ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ સ્થાનિક કોર્ટે 29 ઓગસ્ટ, 2023ના રોજ જામીન આપ્યા હતા. તે સમયે કોર્ટે 1 લાખના જામીન બોન્ડ ભરવાનો આદેશ કર્યો હતો.

ઠગ કિરણ પટેલને જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન બુલેટપ્રૂફ કાર, સુરક્ષા કર્મચારીઓ અને ફાઇવ સ્ટાર હોટલમાં સત્તાવાર રહેઠાણ સહિત PMOના અધિકારીઓને સામાન્ય રીતે આપવામાં આવતી સુવિધાઓ મળી હતી. કિરણ પટેલની પત્ની માલિની પટેલ પર પણ છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રના આરોપો છે.

મહાઠગે ભલભલાને બાટલીમાં ઉતાર્યા… પૂર્વ મંત્રીના ભાઈનો કરોડોનો બંગલો પચાવ્યો છે અમદાવાદ તેમજ આખા રાજ્યમાં કિરણ પટેલે પોતાની ઓળખ PMOના અધિકારીની આપીને અનેક લોકોને ભોળવી લીધા હતા. જેમાં એક મંત્રીના ભાઈ પણ આવી ગયા હતા. તેમની પાસેથી કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. પોલીસમાં ફરિયાદ ન થાય તે માટે પણ તેણે અનેક ગતકડાં કર્યાં હતાં. અમદાવાદની જાણીતી કો-ઓપરેટિવ બેંકના એક ઉચ્ચ પદાધિકારી પણ તેના સંપર્કમાં હતા. કિરણ પટેલ આ બધા સંપર્કોના આધારે લોકોને ફસાવતો હતો અને ક્યાંક મારીને રોકડી કરી લેતો હતો.

કેવી રીતે બંગલો પચાવી પાડ્યો? 23 માર્ચે કિરણ અને માલિની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. શીલજમાં પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાનો નીલકંઠ બંગલો આવેલો છે. જે વેચવા માટે તેમણે પરિચિત લોકોને ફેબ્રુઆરી 2022માં વાતચીત કરી હતી. જે વાત મહાઠગ સુધી પહોંચતા તેણે બંગલો પચાવી પાડવા પ્લાન બનાવ્યો હતો. કિરણ પટેલે ચાવડાનાં પત્ની ઇલાબેનને ફોન કરીને બંગલો વેચવાનો હોય તો પોતે લે-વેચનું કામ કરે છે તેવું જણાવ્યું હતું. ઇલાબેન સાથેની વાતચીત બાદ કિરણ પટેલ જગદીશભાઈના બંગલે ગયો હતો. બંગલો વેચવાનો હોવાથી કિરણને બંગલો પણ બતાવ્યો હતો. ત્યારે પોતાના પ્લાન મુજબ કિરણે જગદીશભાઈએ કહ્યું કે, રિનોવેશન થાય તો બંગલો સરળતાથી વેચી શકાય અને સારી કિંમત પણ મળશે તેવી સલાહ આપીને કિરણ ત્યાંથી નીકળી ગયો હતો. જે બાદ જગદીશભાઈને સિંધુભવન રોડ પર આવેલી ટી પોસ્ટમાં મળવા બોલાવ્યા હતા.

જગદીશભાઈએ કિરણ પટેલ સાથે ડીલ કરી અને બંગલો 30-35 લાખમાં રિનોવેશન કરવાનું નક્કી કર્યું હતું. 2 દિવસ બાદ કિરણ તેની પત્ની માલિની અને ઇન્ટિરિયર ડિઝાઈનર જુબિન પટેલ સાથે બંગલે આવ્યો અને બંગલો બતાવ્યો હતો. બીજા જ દિવસથી કિરણ 8-10 કારીગર લાવીને રિનોવેશન કામ શરૂ કરાવી દીધું. જગદીશભાઈ બંગલો રિનોવેશન થતો હોવાથી શેલામાં રહેતા મિત્રના બંગલે શિફ્ટ થઈ ગયા હતા. જગદીશ ચાવડાને કામ હોવાથી તે જૂનાગઢ ગયા હતા. આ દરમિયાન કિરણે બંગલા બહાર પોતાના નામની પ્લેટ લગાવી અને વાસ્તુપૂજન કરાવ્યું હતું. ઓગસ્ટ-2022માં જગદીશભાઈને મિરઝાપુર કોર્ટની નોટિસ મળી હતી જેમાં કિરણ પટેલે બંગલા માટે દાવો કર્યો હતો જેથી જગદીશભાઈએ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

2019માં કિરણ પટેલ વિરુદ્ધ વડોદરામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી વર્ષ-2018માં નવરાત્રિમાં નવલખી મેદાનમાં કલાનગરી ગરબા મહોત્સવના નામે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબા મહોત્સવમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ અમદાવાદની એજન્સીને આપવામાં આવ્યું હતું. આ એજન્સીના ભાગીદારો અને કિરણ પટેલે ગરબાના મેદાનમાં ડેકોરેશન અને લાઇટિંગનું કામ અમદાવાદના જૈન ડેકોરેટર્સના માલિક પરિતોષ બાબુભાઇ શાહને એગ્રીમેન્ટ કરીને આપ્યું હતું.

જૈન ડેકોરેટર્સ દ્વારા કરાર મુજબ ગરબા મહોત્સવનું કામ પૂરું કર્યું હતું. નક્કી કરેલા રૂપિયા કરતા વધુ રકમના બિલ બનાવાયા હતા અને તે બિલ ડેકોરેટર્સના માલિક પરિતોષ શાહે એજન્સીને આપ્યું હતું. આ વધારે રકમના બિલની ઉધરાણીને લઈને 05-04-2019ના રોજ કિરણ પટેલે જૈન ડેકોરેટર્સના માલિક પરિતોષ શાહને ફોન કરીને જણાવ્યું હતું કે, રૂપિયા મળશે નહિં. હવે માંગણી કરીશ તો તને જાનથી મારી નાંખીશું, તેવી ધમકી આપી હતી.

શરૂથી જ પોતાની VVIP તરીકે ઓળખ આપી આંજી દેતો કિરણ કોઈને પણ શરૂઆતથી જ પોતે VVIP માણસ હોવાનું કહીને આંજી દેતો હતો. કિરણની પત્ની માલિની પટેલ પણ હંમેશાં તેની સાથે હોય છે. તે પણ સોશિયલ મીડિયામાં આ પ્રકારે જ એક્ટિવ રહીને પોતે હાઈપ્રોફાઈલ હોવાનું બતાવે છે. કિરણ પટેલની દીકરી નિરમા યુનિવર્સીટીમાં અભ્યાસ કરી રહી છે જે તેણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું. ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે એક્ટિવ છે. ટ્વીટરમાં તો તેનું એકાઉન્ટ પણ વેરિફાય કરેલું છે.

મહાઠગ કિરણ પટેલની 10 ફાંકા ફોજદારી સોનાનાં બિસ્કિટ અને ચાની તસવીર 20 ઓક્ટોબર 2022ના રોજ સવારના 9 વાગ્યાને 15 મિનિટે કિરણ પટેલ ટ્વિટર પર એક ફોટો મૂકે છે. કેપ્શનમાં ગુજરાતી ભાષામાં લખ્યું હતું, ‘સવારની ચા-બિસ્કિટ’. તસવીરમાં ચા તો સામાન્ય કપમાં જ દેખાતી હતી, પરંતુ હાથમાં સોનાનું બિસ્કિટ હતું. આવી હતી મહાઠગની કમાલની લાઇફસ્ટાઇલ!

પોતાની પાસે મોંઘીદાટ કાર હોવાના ફાંકા

29 ડિસેમ્બર 2022ના રોજ ફરીથી વટ પાડવા માટે એક ફોટો કિરણ પટેલે ટ્વિટર પર મૂક્યો, જેમાં તે એક મોંઘીદાટ કારના બોનેટ પર હાથ રાખીને પોઝ આપતો જોવા મળે છે. આ ફોટો શેર કરીને તેણે દુનિયા સામે દાવો કર્યો, ‘થેક્સ, મારી પાસે ઓડી ક્યૂ5, મર્સિડીઝ એલએસકે, મર્સિડીઝ સી ક્લાસ અને એક્સયુવી 500(મારા પિતા તરફથી મળેલી છેલ્લી ભેટ) અને હવે આ(કાર) છે.’

ભારતમાં બેઠાં-બેઠાં વિદેશી યુનિવર્સિટીમાં ડિરેક્ટર બન્યો શું તમે ટોન્ગા વિશે સાંભળ્યું છે?, ટોન્ગામાં માંડ એક લાખની વસતિ. ઓસ્ટ્રેલિયા પાસે આવેલું છે. ત્યાંની એક યુનિવર્સિટી, જેનું નામ કૉમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટી છે. 11 ફેબ્રુઆરી 2023ના રોજ કિરણ પટેલને એક પત્ર મળ્યો(કેવી રીતે મળ્યો, એ તો કિરણ પટેલ જ જાણે). આ યુનિવર્સિટીમાં એકૅડેમિક ડિરેક્ટર તરીકે કિરણ પટેલને નૉમિનેશન મળ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

હરખપદુડા થઈને ખુદ કિરણ પટેલે લખ્યું, ‘દેશની સીમાઓ તૂટી ચૂકી છે, હવે વૈશ્વિક સ્તરે જવાનો સમય આવી ગયો છે. ટોન્ગોની કૉમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટીમાં એકૅડેમિક ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ છે.’

અધિકારી બનીને કિરણ પટેલે ‘ઉડાઊડ’ કરી પોતાને વડાપ્રધાન કાર્યાલયનો અધિકારી ગણાવતા કિરણ પટેલે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ‘ઉડાઊડ’ પણ ખાસીએવી કરી છે. દિવ્ય ભાસ્કરને કિરણ પટેલની નજીકનાં કેટલાંક સૂત્રો મારફત મળેલી માહિતી અનુસાર, કિરણ પટેલ અમદાવાદથી દિલ્હી અને ત્યાર બાદ શ્રીનગરની ફ્લાઈટ લેતો હતો, પરંતુ ક્યારેક એવું પણ બન્યુ છે કે તેણે ચાર્ટર ફ્લાઈટ લીધી હોય. દિવ્ય ભાસ્કરને એક તસવીર પણ હાથ લાગી છે, જેમાં કિરણ પટેલ તેની નજીકના લોકો સાથે ચાર્ટર ફ્લાઈટમાં બેસતો જોવા મળે છે. લાખો રૂપિયાના ખર્ચે મળતી ચાર્ટર ફ્લાઈટ માટે કિરણ પટેલ ક્યાંથી રોકડી કરતો હતો, એ ખરેખર વિચારવાલાયક વાત છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *