Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે. જોકે તે પહેલા આજે ‘કેશ ફૉર વોટ’ કાંડ બાદ ‘બિટકૉઈન’નો મામલે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. બહુજન વિકાસ આઘાડી (Bahujan Vikas Aaghadi)એ આજે ભાજપના દિગ્ગજ નેતા વિનોદ તાવડે (Vinod Tawde) પર નાણાં વહેંચવાનો આક્ષેપ કર્યા બાદ ભાજપે (BJP) વળતો જવાબ આપી સુપ્રિયા સુલે (Supriya Sule) અને નાના પટોલે (Nana Patole) ‘બિટકોઈનથી ફંડ’ સામેલ હોવાનો મામલો ઉછાળ્યો છે. તો બીજીતરફ પટોલે અને સુલેએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
તાવડે સામેનો આક્ષેપો વાહિયાત : સુધાંશુ ત્રિવેદી
આજે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી (Sudhanshu Trivedi)એ તાત્કાલીક એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે વિનોદ તાવડે સામેના કેશ ફોર વોટના આરોપોને ભાજપે ‘વાહિયાત’ અને ‘અતાર્કિક’ ગણાવ્યા છે. આ સાથે ભાજપે વિપક્ષ પર કાવતરૂં ઘડવાનો પણ આરોપ મૂક્યો છે. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, ‘વાહિયાત અને અતાર્કિક આરોપ મૂકવામાં આવ્યો છે” અને તે વિપક્ષની “હતાશા” બતાવે છે.
ત્રિવેદીએ પટોલે અને સુલે પર કર્યા ગંભીર આક્ષેપ
સુધાંશુ ત્રિવેદીએ આજે તાત્કાલિક બે કોન્ફરન્સ યોજી હતી, જેમાં પ્રથમ કોન્ફરન્સમાં તેમણે તાવડે સામેના આરોપોને અફવા ગણાવ્યા છે. આ સાથે તેમણે બીજી કોન્ફરન્સ યોજીને કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ નાના પટોલે અને સુપ્રિયા સુલે પર ગંભીર આક્ષેપો કરી પ્રશ્નોનો મારો કર્યો છે.
ભાજપે બે ઑડિયો ક્લિપ અને ચેટ્સ જાહેર કરી
તેમણે કહ્યું કે, ‘રાહુલ ગાંધી જે મોહબ્બતની દુકાન ચલાવી રહ્યા છે, તે ચલાવવા માટે નાણાં ક્યાંથી આવી રહ્યા છે ? અમારે મોડી રાત્રે તાત્કાલીક પ્રેસ કોન્ફરન્સ કરવી પડી, તેની પાછળ મોટું કારણ છે.’
ભાજપની આ પ્રેસ કોન્ફરન્સમાં બે ઑડિયો ક્લિપ ચલાવવામાં આવી અને કેટલાક ચેટ્સ દેખાડી આક્ષેપ કર્યો છે કે, પૈસા આપવામાં આવી રહ્યા છે. આમાં નાના પટોલે અને પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તા વચ્ચે તેમજ સુપ્રિયા સુલે અને ગૌરવ મહેતા વચ્ચેની થયેલી વાતચીતનો ઑડિયો ક્લિપ ચલાવાઈ હતી.
સુધાંશુ ત્રિવેદીએ MVA પર સાધ્યું નિશાન
સુધાંશુએ કહ્યું કે, ‘આ ક્લિપ અને ચેટ્સમાં જેલ ભોગવી ચુકેલા એક પૂર્વ પોલીસ અધિકારી એક આરોપી ડીલરનો સંપર્ક કરે છે અને તે કહે છે કે, બિટકૉઈનના કેટલાક નાણાં રોકડમાં ટ્રાન્જેક્શન કરવા છે. તેઓ સુપ્રિયા સુલે અને નાના પટોલનું નામ લે છે. ડીલર અધિકારીને ઓડિયો ક્લિપ મોકલે છે અને દાવો કરે છે કે, ચૂંટણી માટે…’
તેમણે વધુમાં કહ્યું કે, આ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બાબત છે. જે હકીકતો સામે આવી છે તે મહાવિકાસ આઘાડીનો અસલી ચહેરો બતાવી રહી છે. આનાથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે યોજવામાં આવે તે અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.’
‘જો આ પ્રશ્નોનો જવાબ નહીં આપ્યો તો…’
તેમણે રાહુલ પર નિશાન સાધી કહ્યું કે, ‘મોહબ્બતની દુકાનનો સામાન દુબઈથી તો આવતો નથી ને ? આજે ચૂંટણી પહેલાની છેલ્લી રાત છે, જો આ પ્રશ્નોનો જવાબ નહીં આપ્યો તો… મુગલે આઝમ ફિલ્મનો ડાયલૉગ યાદ છે ને – યે રાત સાહિબે આલમ કે મંસૂબો પર બહુત ભારી ગુજરને વાલી હૈ.’
સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસને કર્યા પાંચ સવાલ
- શું તેઓ કોઈપણ બિટકોઈન વ્યવહારોમાં સામેલ છે? તે કાયદેસર છે કે ગેરકાયદેસર?
- શું તમે ક્યારેય ગુપ્તા નામની વ્યક્તિ સાથે સંપર્ક કર્યો છે કે નહીં?
- શું તમારો ગૌરવ મહેતા કે ગુપ્તા સાથે આવી કોઈ વાતચીત થઈ છે કે નહીં?
- ઓડિયો ક્લિપમાં સંભળાતો અવાજ સુપ્રિયા સુલે અને નાના પટોલેનો છે કે નહીં?
- વાતચીત એટલે કે ચેટમાં શું કહેવામાં આવી રહ્યું છે, આમાં મોટા લોકો સામેલ છે – તે કોણ છે?