Bangladesh Police Arrested Chinmoy Prabhu : બાંગ્લાદેશમાં શેખ હસીનાએ વડાંપ્રધાનપદેથી રાજીનામું આપીને ભારત ભાગી ગયા પછી હિન્દુઓ સતત અત્યાચાર થઈ રહ્યા છે. આ જ ક્રમમાં ત્યાં ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે અને રસ્તાઓ ઉપર ઉતરી આવી દેખાવો શરૂ કીર દીધા છે. ઈસ્કોન મંદિરે કહ્યું છે કે, ઢાકા પોલીસની જાસૂસી શાખાના અધિકારીઓએ ઢાકા વિમાની મથકેથી ચિન્મય પ્રભુની ધરપકડ કરી છે. ચિન્મય પ્રભુ શેખ હસીનાની સરકારનું પતન થયા બાદ હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે અવાજ ઉઠાવતા હતા. તેમણે શુક્રવારના રોજ રંગપુરમાં એક વિશાળ રેલીમાં સંબોધન કર્યું હતું.
ચિન્મય પ્રભુની ધરપકડ થતા હિન્દુઓ ભડક્યા
બાંગ્લાદેશની પોલીસે ચિન્મય પ્રભુની ધરપકડ કરતા હિન્દુઓ ગુસ્સે ભરાયા છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમની ધરપકડ બાદ હિન્દુઓએ ઉગ્ર દેખાવો શરૂ કરી રસ્તા પર ઉતરી આવ્યા છે. સોશિયલ મીડિયા પર હિન્દુઓને કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે, જેમાં તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
શેખ હસીના સરકારના પતન બાદ બાંગ્લાદેશી હિન્દુઓ પર અત્યાચાર
બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના હિંસક આંદોલનના કારણે શેખ હસીના સરકારનું પતન થયા બાદ ત્યાં રહેતા લઘુમતી હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આંદોલન વખતે વિદ્યાર્થીઓએ હિંદુઓ અને મંદિરોને નિશાન બનાવ્યા હતા. ત્યારબાદ ચિન્મય પ્રભુએ હિન્દુ મંદિરોની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તે વખતે તેમણે કહ્યું હતું કે, ‘ચટગાંવમાં ત્રણ મંદિરો ખતરામાં છે, જોકે હિન્દુ અને મુસ્લિમ સમાજના કેટલાક લોકોએ સાથે મળીને મંદિરોને બચાવ્યા છે.’
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં સસ્પેન્સ ખતમઃ ફડણવીસ બનશે CM, શિંદે-અજિત પવાર સાથે દિલ્હી જવા રવાના
વિનંતી છતાં પોલીસ ન મોકલી : ચિન્મય પ્રભુ
તેમણે દાવો કર્યો હતો કે, ‘હિન્દુ સમાજે ચટગામમાં પોલીસ અને રેપિડ એક્શન બટાલિયન તહેનાત કરવાની વિનંતી કરી છે, જોકે તેમ છતાં તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી. અનેક હિંદુઓ અને લઘુમતી લોકોને પોતે અસુરક્ષિત હોવાનો ભય છે અને તેઓ પશ્ચિમ બંગાળ તથા ત્રિપુરાના રસ્તે ભારત ભાગી રહ્યા છે.’
બાંગ્લાદેશી હિન્દુઓ અત્ચારનો સામનો કરવો એક થયા
બાંગ્લાદેશમાં હિન્દુઓ અને મંદિરો પર અનેક હુમલા થયા બાદ બાંગ્લાદેશી હિન્દુઓ એક થઈ દેખાવો પણ કર્યા છે. ચટગાંવમાં હજારો હિન્દુઓ પોતાના અધિકારીઓ અને સુરક્ષાની માંગ મુદ્દે ઓક્ટોબરમાં રસ્તાઓ ઉપર ઉગ્ર દેખાવો કર્યા હતા. બાંગ્લાદેશી સનાતમ જાગરણ મંચના બેનર હેઠળ અનેક હિન્દુઓ એકઠા થઈ દેખાવો કર્યા હતા, જેમાં પ્રો.મોહમ્મદ યૂનુસની વચગાળાની સરકાર સમક્ષ પોતાની આઠ માંગો રાખી હતી.